ગાંધીજીના ‘નવજીવન’ની શતાબ્દી
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·
મહાત્મા થકી
રાષ્ટ્રકારણ-પત્રકારત્વમાં નવી વસંત
·
ઇન્દુચાચા જેવા તોફાની
બારકસોમાં ભારે પરિવર્તન
·
અંગ્રેજીમોહના યુગમાં
એને મિથ્યા ગણાવતા બાપુ
બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી હજુ ‘મહાત્મા’ કે ‘રાષ્ટ્રપિતા’ તરીકે એટલા
પ્રચલિત થયા નહોતા,પણ ‘બાપુ’ જરૂર બની ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને
ન્યાય અપાવવા સંઘર્ષરત રહેલા અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અંગ્રેજી, ગુજરાતી, હિંદી
અને તમિળ જેવી ચાર ભાષામાં પ્રકાશનના માધ્યમથી જનજાગરણ કરી ‘ગાંધીભાઈ’ તરીકે મશહૂર
બનેલા મો.ક.ગાંધી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે કાયમ માટે સ્વદેશ પાછા
ફર્યા તો ખરા,પણ પોતાના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મુજબ એક વર્ષ માટે હિંદની સમસ્યાઓના અભ્યાસમાં દેશભરના પ્રવાસમાં રમમાણ
રહ્યા પછી ‘હિંદની વધારે સેવા’માં જોતરાયા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થકી
‘પંજાબની નાદિરશાહીએ લોકોની અશાંત વૃત્તિને વધારી’ એવા તબક્કે પોતાની વાત રજૂ કરવા
અને લોકોને સત્યાગ્રહ માટે તૈયાર કરવા માટે એમણે પહેલાં અંગ્રેજીમાં ‘યંગ ઇન્ડિયા’
અને પછી ગુજરાતીમાં ‘નવજીવન’ સાપ્તાહિકના માધ્યમથી બૂંગિયો ફૂંકવાનો નિરધાર કરીને
રાષ્ટ્રકારણમાં અને પત્રકારત્વમાં પણ નવી વસંત આણી. રવિવાર, ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના
‘નવજીવન’ના ૧૬ પાનાંના પ્રથમ અંકમાં મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ પહેલે પાને
તંત્રી તરીકે ઝળકે છે જરૂર,પણ “અમારો ઉદ્દેશ” એ મથાળા હેઠળ ત્રીજા અને ચોથા પાનાં
પર પોતાની વાતની સુપેરે માંડણી કરે છે. શનિવાર, ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ એના
અવતરણનાં સો વર્ષ પૂર્ણ થાય ત્યારે એનું પુણ્યસ્મરણ કરીને વર્તમાન અને ભવિષ્ય માટે
પાથેય બાંધવાની આ ઘડી છે. ગાંધીજીના તંત્રીપદે નીકળતા એ ‘નવજીવન’ની શતાબ્દી ટાણે
સાપ્તાહિક ‘નવજીવન’ તો ચાલતું નથી, પણ એના નામે એક નોખી સંસ્થા તરીકે સરદાર
વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ‘નવજીવન ટ્રસ્ટ’ સ્થપાયેલી અને ગાંધીજીનાં તમામ
લખાણોના ૬૦ વર્ષ લગી કૉપીરાઇટ ધરાવીને સતત પ્રકાશનો કરતી રહેલી સ્વનિર્ભર સંસ્થા આજેય નોખી
ભાત જરૂર પાડે છે.
‘નવજીવન’નું અવતરણ
મૂળે ‘નવજીવન’ ભલે મહાત્મા ગાંધીએ શરૂ કર્યું નહોતું છતાં એ અંકાઈ ગયું એમના જ
નામે. મહાત્માની આત્મકથામાં ૩૪મું પ્રકરણ ‘નવજીવન’ ને ‘યંગ ઇન્ડિયા’નું છે.
‘ગાંધીજીના અક્ષરદેહ’ના ૧૬મા ગ્રંથમાં પણ એની વિસ્તૃત નોંધો મૂકાયેલી છે. પરંતુ
ગુજરાત સરકારના માહિતી ખાતાએ માર્ચ ૧૯૭૦
અને ફરી ૧૯૯૦માં પ્રકાશિત કરેલી ‘ગાંધીજીની દિનવારી’માં તેના ‘સંગ્રાહક’ ચંદુભાઈ
ભગુભાઈ દલાલ અધિકૃત ચકાસણી કરીને, ક્યારેક તો ગાંધીજીના લખાણમાંની તારીખો કે
વર્ષની ભૂલો તારવીને, જે હકીકતો પ્રસ્તુત કરે છે એ રસપ્રદ છે. દલાલે નોંધ્યું છે:
“સને ૧૯૧૧ના જુલાઈ માસથી ‘સત્ય’ નામનું એક માસિક મુંબઈથી, મોતીલાલ ત્રિભુવનદાસ
દલાલના તંત્રીપદે નીકળતું હતું. સને ૧૯૧૫ના જૂન માસના અરસામાં ‘નવજીવન’ નામનું એક
માસિક કાઢવા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) તૈયારી કરતા હતા.એ જાણતાં,
શ્રી દલાલની સંમતિથી ‘નવજીવન અને સત્ય’ નામનું માસિક કાઢવાનું નક્કી થયું. અને સને
૧૯૧૫ના જુલાઈ માસથી ઇન્દુલાલના તંત્રીપદે એ નીકળ્યું.એ, સને ૧૯૧૯ના જુલાઈ સુધી
ચાલ્યું. પછી એના સંસ્થાપકોએ એની દેખરેખ ગાંધીજીના હાથમાં મૂકી; અને એ , અઠવાડિક
તરીકે પ્રસિદ્ધ થઇ શકે એવી સગવડ કરી આપવાનું માથે લીધું. એટલે એનું તંત્રીપદ
ગાંધીજીએ સંભાળ્યું. એનું નામ કેવળ ‘નવજીવન’ રાખવામાં આવ્યું,અને એનો પહેલો અંક
આજે (૭ સપ્ટેમ્બર ૧૯૧૯) બહાર પડ્યો. એના પ્રિન્ટર અને પ્રકાશક સોમાલાલ મંગળદાસ
હતા.” જોકે અમારી પાસે ‘નવજીવન’ના પ્રથમ અંકની નકલ છે અને એમાં “આ પત્ર અમદાવાદમાં
જમાલપુર રોડ પર ‘નટવર’ પ્રીન્ટીંગ પ્રેસમાં ભોગીદાસ નારણદાસ બોડીવાલાએ છાપ્યું અને
ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકે તે જ સ્થળે પ્રકટ કર્યું છે” એવી ઈમ્પ્રિન્ટલાઈન
છપાયેલી સ્પષ્ટ વંચાય છે. ઇન્દુચાચાની આત્મકથામાં એમની મિત્રમંડળી થકી, ગાંધીજીને
સોંપાયા પહેલાં “યંગ ઇન્ડિયા” અને “નવજીવન” માસિકોમાં કેવાં કેવાં તોફાનો મચાવાતાં
એની ઊછળકૂદ સમી વિગતો મૂકી છે. એમના સહ-તોફાની બારકસોમાં કનૈયાલાલ મુનશી પણ ઘનશ્યામ વ્યાસના તખલ્લુસથી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે ‘હજામ પરિષદ’ જેવું
લખાણ કરતા. એ વેળા પોતાના ગુરુના કારણે એની બેસન્ટના રંગે રંગાયેલા ઇન્દુલાલની
લેખકમંડળીમાં પ્રો. બળવંતરાય ઠાકોર, પ્રો. કે.ટી.શાહ, સ્વામી આનંદ પણ ખરા.
ઇન્દુચાચા નોંધે છે: “પહેલાં અંકો વાંચીને કેટલાક વડીલ સાક્ષરોએ પોકાર કર્યો કે
ઇન્દુલાલ અને મુનશીએ તાંડવનૃત્ય આદર્યું છે!” ગાંધીજીના પ્રભાવમાં આવતાં ઈન્દુલાલે
જ નોંધ્યું: “હવે મૂઠીભર જૂના સાહિત્યકારો કે અગ્રેસરોની ટીકા કરવાને બદલે આ માસિક
જાહેર જનતા તરફ અભિમુખ થતું ગયું તેમ મારું દિલ પણ પ્રજા સાથે એકતાર બનતું ગયું.” જોકે
આ બંને માસિકો ગાંધીજીહસ્તક આવ્યાં એ પછી એમની ગંભીરતા વધી અને ઉદ્દેશ પણ બદલાયો.
‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’
નવજીવન પ્રકાશન મંદિરે ગાંધીજીની શતાબ્દી અને ‘નવજીવન’ની સુવર્ણ જયંતી પ્રસંગે
મણિભાઈ ભ.દેસાઈલિખિત “નવજીવન વિકાસવાર્તા”નું પ્રકાશન કરીને ‘નવજીવન’ની મજલની
અધિકૃત માહિતી પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો. એમાં મુંબઈના ‘ક્રોનિકલ’ પત્રના
સમર્થ અને લોકપ્રિય અંગ્રેજ તંત્રી હોર્નિમૅને અમાનુષી રૉલેટ કાયદા સામે નીડરપણે
ઝુંબેશ ચલાવી એટલે ‘તેમની ધરપકડ કરવાની અને તેમની સામે જાહેરમાં કેસ ચલાવવાની એ
વખતે સરકારની હિંમત નહોતી.એટલે રાતોરાત તે હોર્નિમૅનને છાનામાના ઉઠાવી ગઈ અને
તેમને દેશપાર કરવામાં આવ્યા.એટલે ‘ક્રોનિકલ’ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાની જવાબદારી ગાંધીજીને
સોંપી. ‘ક્રોનિકલ” સરકારની આડોડાઈને કારણે બંધ પડ્યું એટલે તેના વહીવટના
કર્તાહર્તા ઉમર સોબાની અને શંકરલાલ બૅંકરે તેમના વહીવટ હેઠળના અંગ્રેજી પત્ર “યંગ
ઇન્ડિયા”ની જવાબદારી માથે લેવાં ગાંધીજીને સૂચવ્યું.ગાંધીજીએ ‘ક્રોનિકલ’ની ખોટ
હળવી કરવા માટે સાપ્તાહિક ‘યંગ ઇન્ડિયા’ને અઠવાડિયામાં બે વાર પ્રકાશિત કરીને
સત્યાગ્રહ માટે લોકોને તૈયાર કરવાનું બીડું ઝડપી લીધું. આત્મકથામાં બાપુએ નોંધ્યું
છે: “અહીંના તે વખતના છાપાના કાયદા પણ
એવાં હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદ્રષ્ટિએ ચાલતા છાપાવાળા
છાપતા સંકોચાય.એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં
જ સહેલાઈથી થઇ શકે તેમ હતું, એટલે ‘યંગ ઇન્ડિયા’ અમદાવાદમાં લઇ ગયા. આ છાપાં મારફત મેં
સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો.બંને છાપાંની નકલો જૂજ ખપતી
હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી.” ઇન્દુચાચા કને ‘નવજીવન’ હતું ત્યારે
માંડ ૬૦૦ નકલ ખપતી હતી.જોકે ગાંધીજી જેલમાં ગયા બાદ વધેલી નકલોમાં ઘટાડો જરૂર
નોંધાતો. આઝાદી માટેના સંગ્રામ દરમિયાન જેલવાસ અને જપ્તીઓનો દોર ચાલ્યો. ‘નવજીવન’ના તંત્રીઓ બદલાતાં ગયા.એના પર બંધી
આવતી ગઈ.વળી ફરી ચાલુ થતું ગયું. છેલ્લે ૧૯૩૨માં બેચરદાસ દોશીના તંત્રીપદે
હસ્તલિખિત ‘નવજીવન’ બહાર પડતું. એમની પણ ધરપકડ થયા પછી ‘નવજીવન’ કાયમ માટે બંધ
થયું,પણ ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૨થી અંગ્રેજી પત્ર
‘હરિજન’ આર.વી.શાસ્ત્રીના તંત્રીપદે શરૂ થયું અને ૧૨ માર્ચ ૧૯૩૩થી ચંદ્રશંકર શુકલના
તંત્રીપદે ગુજરાતી ‘હરિજનબંધુ’ પુણેથી જ
શરૂ થયું. ગાંધીજીના નિધન પછી એમની દ્રષ્ટિ સાથેનાં પત્રો બંધ કરવાના
સમર્થકો હતા, તો કેટલાક એમને ચલાવવાના પક્ષે હતા. જોકે ૧ માર્ચ ૧૯૫૬ના રોજ
હરિજનપત્રો કાયમ માટે બંધ કરવાના લેવાયેલા
નિર્ણયનો અમલ ૨૫ જાન્યુઆરી ૧૯૫૬ના રોજ થયો. કોશિયાને પણ સમજાય એવી ભાષામાં લખવાના
આગ્રહી મહાત્મા ગાંધી માટે સમાજ સુધારા અને સમાજમાં આમૂલ પરિવર્તન લાવવા માટે “યંગ
ઇન્ડિયા” અને “નવજીવન” બંને વાહક બન્યાં. મહાત્મા આ બંને સાપ્તાહિકના માધ્યમથી જ
ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ્યા અને એક વાર પરાજયનો સ્વાદ ચાખ્યા પછી ગુજરાતી
સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ ચૂંટાયા હતા. એમના પ્રભાવ થકી તો ગુજરાતી સાહિત્યમાં
ગાંધીયુગ શરૂ થયો.
બાપુના ‘નવજીવન’નો ઉદ્દેશ
કોઈ જાહેરખબર લીધા વિના પૂરેપૂરી જગ્યાનો સદુપયોગ કરીને ટૂંકા છતાં સ્પષ્ટ
વિચારો અને વૈવિધ્યપૂર્ણ દેશી-વિદેશી બાબતોને આવરી લેવી એ કુશળતા તંત્રી મોહનદાસ
કરમચંદ ગાંધીમાં હતી. તેમના તંત્રીપદે ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ નીકળેલા ૧૬ પાનાંના
‘નવજીવન”માં પહેલા પાને મીસીસ જાઈજી જાહાંગીર પીટીટની કલમે ‘વિચાર રત્નો’ ઉપરાંત
નરસિંહરાવ ભોળાનાથલિખિત ‘જીવન’ અને આનંદશંકર બાપુભાઈ ધ્રુવની કલમે ‘સત્યનિષ્ઠા’
લખાણો પ્રકાશિત થયાં છે. ત્રીજે અને ચોથે પાને પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં
મોહનદાસે જે લખાણ કર્યું છે એ મઢાવીને રાખવા જેવું છે. એ લખે છે: “યંગ ઇન્ડિયા
ચલાવવું એ તો મારી ચોખી ફરજ હું તે વેળા જોઈ શક્યો.મારા ઇંગ્રેજી જ્ઞાનનો ઉપયોગ
પ્રજાને સારૂ હું કરી શકું એ મને ખબર છે. પણ મારે ગુજરાતી વર્તમાનપત્ર પણ સાથે
ચલાવવું જોઈએ એમ કેટલાક મિત્રોને અને મને જણાયું.અનુકૂળ સંજોગો આવી મળ્યા.મેં
છાપખાનાની માલિકી ધરાવી છે. ઇન્ડીયન ઓપીનીયન ઘણા કાળ સુધી ચલાવ્યું છે.છતાં તેના તંત્રી
તરિકે મેં મને ગણાવા નથી દીધો.તંત્રી તરિકે જાહેરમાં ઓળખાવાનો આ પહેલો પ્રસંગ
આવ્યો છે. મારી જવાબદારીનું મને ભાન છે.” જયારે તેમના યુગમાં અંગ્રેજીનો મોહ
વ્યાપક હતો ત્યારે ગાંધીજીએ એણે મિથ્યા ગણાવીને ગુજરાતી મારફત દેશસેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. અભણ
હિંદીઓ માટે જુલ્મી પ્રેસના કાયદાઓ સામે લડતા રહીને સત્યાગ્રહ માટે અને જનજાગૃતિ
માટે એ ‘નવજીવન’ આરંભે છે. ખોટાં વિશેષણો કે અતિશયોક્તિની વાત નહીં કરાય. એ કહે
છે: “પડશું, આખડશું તોએ ઉઠશું.પાછી પાણી કે પાછી પુંઠ ન કરીયે એટલુંજ બસ છે.”
મહાત્મા માટે આઝાદી તો સમાજ પરિવર્તનની આલ્લેકની આડપેદાશ હતી.
સમાજ સુધારણાના ધખારા
સમાજ સુધારણા કે આઝાદીના સંગ્રામમાં સક્રિય નેતૃત્વ પૂરું પાડનારા મહાનુભાવોની
જેમ જ મહાત્મા ગાંધીએ પણ સામયિકોને પ્રજા સુધી પોતાનો સંદેશો પહોંચાડવા માટેનાં
પ્રભાવી માધ્યમ લેખ્યાં હતાં. એમનો યુગ મિશનનો હતો.મહાત્મા ઑલિયો જીવ હતા. ક્યારેક
દક્ષિણ આફ્રિકામાં વર્ષે ૮૫,૦૦૦ પાઉન્ડની બૅરિસ્ટરી કરનારા ગાંધીજી એ ટ્રસ્ટીશિપનો
સિદ્ધાંત અપનાવીને બધું ત્યાગી આશ્રમજીવન સ્વીકાર્યું હતું. કથની અને કરનીમાં અંતર
નહીં હોવાથી જ એમનો સમાજ પર વ્યાપક પ્રભાવ પડ્યો અને આજે વિશ્વભરમાં એ આદર્શ લેખાય
છે. એમણે પોતાના ઘોષિત લક્ષ્ય અને મૂલ્યોનું જતન કર્યું. જોકે એમણે જનજાગરણ માટે
શરૂ કરેલાં કોઈ સામયિક અત્યારે ચાલતાં નથી. સમય પ્રમાણે લોકોની રુચિ પણ બદલાતી રહે
છે. એવું જ અન્ય મહાનુભાવોએ અખબારો કે સામયિકો શરૂ કર્યાં પણ એમના આર્થિક પાસાને
મજબૂત ના કર્યું તો ચાલતાં નથી. બંધારણના મુખ્ય સ્થપતિ અને વંચિતોના ઉત્થાન માટે
ચિતિત રહેલા ડૉ.બાબાસાહેબ આંબેડકર થકી “બહિષ્કૃત ભારત” કે “જનતા” જેવાં સામયિકોએ
એમના સમયમાં જનજાગરણનું ખૂબ કામ કર્યું,પણ બાબાસાહેબના નિધન પછી એ બંધ થયાં.જોકે
લોકમાન્ય ટિળકે શરૂ કરેલાં અંગ્રેજીમાં “મરાઠા” અને મરાઠીમાં “કેસરી” એમના સમયમાં
સ્વરાજની લડત માટેનાં પ્રભાવી ઓજાર હતાં. “કેસરી” અત્યારે મશહૂર દૈનિક છે પણ “મરાઠા” અલોપ થઇ ગયું છે. વ્યક્તિ અને એના મિશન
સાથે શરૂ કરાયેલાં સામયિકો મજબૂત આર્થિક ભૂમિકા પર ના મૂકાય તો ‘નવજીવન’ કે ‘યંગ
ઇન્ડિયા’ની જેમજ ઈતિહાસજમા થઇ જાય છે.ભલે એનો પ્રભાવ અને સ્મરણ એમની શતાબ્દી
નિમિત્તે ગૌરવ કરવા જેવો અનુભવાય.
તિખારો
જ્યાં મન નિર્ભય રહે સદાયે,
મસ્તક ઉંચું રાખી શકાય,
જ્યહાં જ્ઞાન છે સ્વતંત્ર, વસતું
વચન દરેકજ સત્યની માંહ્ય.
.......
નિત્ય વિકસતાં વિચાર-કર્મો
વિશે તુંથી મન જ્યાં પ્રેરાય,
સ્વતંત્રતાના એ સ્વર્ગે
પ્રિય બાપુજી, અમ દેશ જગાવ્ય.
(‘નવજીવન’ના ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ના ૧૬ પાનાંના પ્રથમ અંકમાં ૧૨મા પાને પ્રકાશિત ‘શ્રીમાન
ડૉ.રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ : રામમોહનરાય જસવંતરાય. લેખમાં મૂળ જોડણી
યથાવત રાખી છે. સાર્થ જોડણીકોશ ૧૯૨૯માં આવવાનો હતો. )
A Centenary of "Navjivan" Weekly of Gandhiji
Reviewed by Dr.Hari Desai
on
September 08, 2019
Rating:
No comments: