દલા તરવાડીનું રાજકારણ: આંધ્ર હવે રાજકીય લહાણીનું મોડેલ
ડૉ.હરિ દેસાઈ
·
મહારાષ્ટ્ર અને
જમ્મૂ-કાશ્મીરની બબ્બે રાજધાની પછી આંધ્રમાં ત્રણ રાજધાની
·
રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડનાર શાસક મહમંદ તુઘલખનો પુનર્જન્મ
·
મુખ્યમંત્રી જગન રેડ્ડીને અનુસરીને ભાજપના ય ત્રણ-ત્રણ નાયબ મુખ્યમંત્રી
·
કેન્દ્ર પણ હવે નાગપુર કે મહિસૂરને રાજધાની બનાવવા વિચારે તો નવાઈ નહીં
·
ગુજરાતમાં પ્રજાની સુવિધાને નામે રાજકોટ,વડોદરા અને સુરત પણ રાજધાની!
હજુ તો ૨૦૧૪માં જ લોકપ્રિયતા લણી લેવાની લાહ્યમાં સ્થાનિકોના વિરોધ છતાં આંધ્ર પ્રદેશનું ઉતાવળે વિભાજન કરીને તેલંગણ રાજ્યની પ્રસૂતિ કરાવનાર કેન્દ્રની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર તો મે ૨૦૧૪માં ઘરભેગી થઇ, પણ સાથે જ ક્યારેક કોંગ્રેસનો ગઢ લેખાતા આંધ્ર પ્રદેશનાં બે ફાડિયાં થયેલાં બંને રાજ્યોમાં પણ કોંગ્રેસ ધોવાઇ ગઈ હતી.રાજકારણમાં હવે ફરીને દલા તરવાડીનો યુગ બેઠો હોય એવું લાગે છે. કોઈની વાડીમાંથી રિંગણાં ચોરતા દલા તરવાડી પોતે જ પોતાને પૂછે કે રિંગણાં લઉં બે-ચાર? અને એનો ઉત્તર પોતે જ વાળે કે લેને દસ-બાર! અગાઉની ચંદ્રબાબુ નાયડુ સરકારે નવઆકારિત આંધ્રની રાજધાની અમરાવતીમાં બાંધીને એને વિશ્વકક્ષાની રાજધાની બનાવવાના સ્વપ્ન સાથે વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે એનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો. હવે મોદી-મિત્ર નવા મુખ્યમંત્રી જગન રેડ્ડીને દક્ષિણ આફ્રિકાના ધોરણે રાજ્યમાં ત્રણ-ત્રણ રાજધાની બંધાવાના અભરખા જાગ્યા છે. સંભવત છે કે એ ત્રણેય રાજાધાનીઓમાંથી નવી બેનો શિલાન્યાસ કરાવવા તેઓ ફરીને વડાપ્રધાન મોદીને જ તેડાવે. આંધ્રની પ્રજાના હિસાબે અને જોખમે શાસકો પણ આવી જ કવાયત કરીને ચોકમાં મનોરંજન કરાવનારા નટ-બજાણિયા જેવી ભૂમિકામાં જ જોવા મળે છે. પેલા નટ-બજાણિયા તો જીવનનિર્વાહ માટે આવા ખેલથી મનોરંજન કરાવે છે અને પ્રજા સ્વેચ્છાએ એમને નાણા આપે છે, રાજકીય નટ-બજાણિયા તો પોતાના રાજકીય-નિર્વાહ માટે આવું કરે છે. તેઓ આવું મનોરંજન કરાવીને પ્રજાને ભોળવી રાજસત્તા મેળવવા આવી લોકપ્રિય કવાયતોની કરામતો આદરે છે. દેશભરમાં જ નહીં, દુનિયાભરમાં આજકાલ આવા ગણતરીબાજ જોકરોનું ચલણ છે અને એ પોતાનાં તરભાણાં ભરી રહ્યા છે. પ્રજાને આંબા-આંબલી બતાવીને એકવાર સત્તામાં આવી ગયા પછી સરકારી તિજોરીના જોરે પ્રજાને ખુશખુશાલ કરી દેવાની કવાયતોમાં ક્યારેક તો બોલો કેટલા જાહેર કરું? જેવા ખેલ શરૂ થાય છે અને ભોળી પ્રજાનાં ખિસ્સાં ખાલી કરાવીને એને મેળે મહાલવાનો આનંદ કરાવવાના ઉપકારની અનુભૂતિ કરાવે છે!
બબ્બે નહીં, ત્રણ-ત્રણ
ભારત દેશમાં અનેકતામાં
એકતાનું સૂત્ર સ્વીકારાયા છતાં હવે ઘણા નોખા પલટા આવતા જાય છે. કોઈ રાજ્યમાં
ત્રણ-ત્રણ રાજધાની બાંધવાનો વિચાર મુખ્યમંત્રી પોતે રજૂ કરે અને કહ્યાગરી સમિતિઓ
કનેથી અનુકૂળ અહેવાલ લઇ લે તો એ મુખ્યમંત્રીના અનુગામીને તુક્કો સૂઝે કે આપણે તો
ત્રણ નહીં, ચાર રાજધાની સ્થાપવી છે તો એને વારવાનું મુશ્કેલ બની જાય એવા સંજોગો
છે. આંધ્ર માટે દસ વર્ષ લગી હૈદરાબાદ રાજધાની રહી શકે એમ હોવા છતાં અમરાવતી ઉપરાંત
વિશાખાપટ્ટનમ અને કૂર્નૂલમાં પણ રાજધાની બાંધવાનો જગન રેડ્ડીનો સંકલ્પ છે.
મદ્રાસમાંથી અલગ આંધ્ર પ્રદેશ રાજ્ય બન્યું ત્યારે કૂર્નૂલ રાજધાની હતી. હજી
વર્તમાન આંધ્રમાંથી પણ અલગ રાજ્યને જન્માવવાની જનતાની માંગણી ઊભી જ છે. અગાઉના જમ્મૂ-કાશ્મીર રાજ્યમાં શ્રીનગર
રાજધાની રહ્યું,પણ શિયાળામાં દરબાર જમ્મૂ ખસેડાતો રહ્યો છે. હવે બે કેન્દ્રશાસિત
પ્રદેશોમાં વિભાજિત આ રાજ્યની આ વ્યવસ્થા ચાલુ રહેશે કે કેમ એ અનિશ્ચિત છે. અત્યાર
લગી મહારાષ્ટ્રમાં મુંબઈ રાજધાની અને નાગપુર એની ઉપ-રાજધાની ગણાતી રહી છે. એનો પણ
ઐતિહાસિક સંદર્ભ છે: મુંબઈ રાજ્યમાંથી ૧૯૬૦માં ગુજરાત છૂટું પડ્યું એ પહેલાં મધ્ય
પ્રાંતની રાજધાની નાગપુર હતી. સેન્ટ્રલ પ્રોવિન્સ (સીપી)ની આ રાજધાની આજના ભારતના
મધ્યમાં જ છે.ભાજપના ચૂંટણી ઢંઢેરા કે સંકલ્પપત્રમાં કાયમ મહારાષ્ટ્રથી અલગ વિદર્ભ
રાજ્ય આપવાની ખાતરી સ્થાન લેતી હતી.જોકે એની મિત્રપક્ષ શિવસેના સાથે ૧૯૯૫માં પહેલીવાર
રાજ્યમાં સરકાર બની એટલે એ મુદ્દો શિવસેનાના વિરોધને કારણે અભેરાઈએ ચડ્યો. એવું જ
આંધ્રમાં થયું હતું: ભાજપ થકી મત લણવા પ્રજાને તેલંગણ રાજ્ય બનાવવાનું વચન અપાતું
હતું,પણ મિત્રપક્ષ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે સરકારમાં રહેવાના ગાળા
દરમિયાન એ મુદ્દો પણ બાજુએ સારવામાં આવ્યો હતો.હવે તો ભાજપની શિવસેના અને ટીડીપી
બેઉ સાથે ફારગતી થઇ ચુકી છે અને દિલ્હીમાં સત્તામાં ભાજપ છે. રાજ્યોના સૂબા પણ એને
અનુકૂળ રહેવાની કોશિશમાં રહ્યા છે. ક્યારેક હજારો કરોડના ભ્રષ્ટાચાર અને કાળા
નાણાંની જાહેરાત માટે જે જગન રેડ્ડી પર ભાજપ થકી માછલાં ધોવાતાં હતાં અને આજેય
જેની સામે સીબીઆઇ અદાલતમાં ખટલા ચાલે છે એ હવે મિત્ર છે એટલે માત્ર અનુકૂળતાઓ જ વધી નથી, મુખ્યમંત્રી જગનનું
અનુસરણ પણ ભાજપ થકી થવા માંડ્યું છે. જોકે
આંધ્રની સત્તા પોતાના હાથમાં લેવા માટે ભાજપની આંખમાં રમતાં સાપોલિયાંને ના પીછાણે
એટલા ભોળા જગન ના જ હોય.
જગન આધુનિક તુઘલખ
ભારતીય ઇતિહાસમાં મહંમદ
તુઘલખ જેવો એક તરંગી શાસક થઇ ગયાનું આજકાલ આંધ્રમાં ચર્ચામાં છે. મુખ્યમંત્રી
જગનને આધુનિક તુઘલખ ગણવામાં આવે છે. તુઘલખે પોતાની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ અને
દૌલાતાબાદથી દિલ્હી ખસેડવાના તરંગી વિચારના અમલમાં જે હાસ્યાસ્પદ ચિત્ર ઊભું
કર્યું હતું એ હજુ લોકો સ્મરે છે. એકવાર સત્તામાં આવ્યા પછી વર્તમાન સમયમાં અને
લોકશાહી પરંપરામાં પણ ઘણા શાસકો તુઘલખી શાસનનો પરિચય કરાવે છે. સૌને
રાજી રાખીને રાજ કરવામાં માનતા જગન રેડ્ડી મૂળે કોંગ્રેસના લોકપ્રિય મુખ્યમંત્રી
રહેલા વાય.એસ. રાજશેખર રેડ્ડીના સુપુત્ર છે. પિતાના આકસ્મિક મૃત્યુ પછી જગન
રાજકારણમાં આવ્યા અને કોંગ્રેસના મોવડીમંડળ સાથે ગોઠ્યું નહીં એટલે અલાયદો પક્ષ
રચીને રાજકીય ચમત્કાર તરીકે રાજ્યના સુકાની બન્યા. ભાજપ અને સંઘ પરિવારને આ
ખ્રિસ્તી રેડ્ડી પરિવાર સાથે અગાઉ ગોઠ્યું નહોતું પરંતુ મોદી-શાહના રાજકારણમાં આવા
અંતર્વિરોધો બાજુએ સરી ગયા છે. જગનને ભાજપની કેન્દ્રીય નેતાગીરી ગાજરની પીપૂડી
સમજે છે, પણ ભાજપે જે રીતે મહારાષ્ટ્ર પછી ઝારખંડ પણ ગુમાવ્યું એ સંજોગો જોતાં જગન
સાવધ થઇ જાય એ સ્વાભાવિક છે. જગને પોતના પક્ષના તમામ મહત્વાકાંક્ષી નેતાઓને રાજી
રાખીને ભાજપના સંભવિત પક્ષાંતર હુમલાને ખાળવા માટે દેશના અને કદાચ દુનિયાના
ઇતિહાસમાં સૌપ્રથમવાર એક જ રાજ્યના પાંચ-પાંચ નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો
વિક્રમ નોંધાવ્યો. અત્યાર લગી મહારાષ્ટ્ર, કર્ણાટક કે ગુજરાત કે પછી આંધ્ર પ્રદેશમાં બબ્બે નાયબ
મુખ્યમંત્રી હોવાનો ઈતિહાસ રહ્યો છે. જગનના પગલાને અનુસરીને જ શિસ્તબદ્ધ ગણાતા
કર્ણાટક ભાજપમાં વિભાજન ટાળવા માટે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પણ ત્રણ-ત્રણ નાયબ
મુખ્યમંત્રીઓ નિયુક્ત કરવાની નવી તરાહ
અપનાવી. જોકે કર્ણાટક કે ગુજરાતમાં ભાજપના શાસનમાં પાંચ વર્ષની મુદતમાં ત્રણ-ત્રણ
મુખ્યમંત્રી બદલાયાનો વિક્રમ રહ્યો છે. હવે રખે કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતાના
રાજ્યની પ્રજાને ન્યાય અપાવવા માટે એકથી વધુ મુખ્યમંત્રી નિયુક્ત કરવાની પરંપરા
સ્થાપે!
દેશ-ગુજરાતની રાજધાનીઓ
જગન રેડ્ડી કે
યેદિયુરપ્પા પાંચ-પાંચ કે ત્રણ-ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ નિયુક્ત કરે છે ત્યારે
બંધારણનું છડેચોક ઉલ્લંઘન કરતા હોવા છતાં આ દલા તરવાડીઓ પોતે જ બંધારણ બદલવા કે
કાયદા સુધારવા કે બદલવાના નિર્ણાયક હોવાથી એમને વારી શકાય તેમ નથી. પરંપરા પડી છે
એટલે બંધારણમાં નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રીની જોગવાઈ નહીં હોવા છતાં
લોકશાહીમાં અમર્યાદપણે લોકપ્રિય પગલાં લેવાતાં જવાનાં. હવે કેન્દ્ર સરકાર પ્રજાની
સુવિધાના નામે નાગપુરને દેશની બીજી રાજધાની જાહેર કરી શકે. બંગાળ કે દક્ષિણમાંથી વિરોધ ઊઠે તો કોલકાતા અને મહિસૂરને પણ રાજધાની
બનાવવાનું વિચારે તો નવાઈ નહીં. ગુજરાતમાં માત્ર ગાંધીનગર જ કેમ, સૌરાષ્ટ્ર-કચ્છની
પ્રજાની સુવિધા માટે રાજકોટને, મધ્ય ગુજરાતની પ્રજાની સુવિધા માટે વડોદરા અને
દક્ષિણ ગુજરાતની પ્રજા માટે સુરતને રાજધાની બનાવવાનું વિચારે ત્યારે ટ્રાફિક અને
ગીચતાનો કે પર્યાવરણનો મુદ્દો આવે. એ ઉપરાંત જૂના શહેરમાં જ રાજધાની બને એના કરતાં રાજધાનીનાં નવાં નગર બાંધવા માટે અબજો
રૂપિયા ફાળવાય અને સત્તાધીશો અને બાંધકામ
કરનારાઓને પણ ઘીકેળાં થાય. આવતા દિવસોમાં આવું બધું કેન્દ્ર કક્ષાએ અને અન્ય
રાજ્યોમાં પણ થવું અશક્ય નથી. અંતે તો કન્યની કેડે ભારની ઉક્તિની જેમ પ્રજાએ જ
સઘળો બોજ સહન કરવાનો છે.
Political Model of Andhra Pradesh
Reviewed by Dr.Hari Desai
on
January 08, 2020
Rating:
No comments: