વિદેશમાં મોદીની ટીકા ભારતદ્રોહ તો ઇન્દિરા સામેની જનસંઘી લડત?
અતીતથી આજ :ડૉ.હરિ દેસાઈ
• રાહુલ ગાંધીનાં યુકે કે યુએસએમાં તાજાં ઉચ્ચારણોથી ભાજપને અકળામણ
• ઈમરજન્સીમાં બ્રિટનમાં ડૉ.સ્વામી અને મકરંદ દેસાઈએ ઝુંબેશ ચલાવી’તી
• મુસ્લિમવિરોધી પત્રિકાઓ અને સંદેશાઓ સામે ચૂંટણી પંચ સાવ મૂકપ્રેક્ષક
Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily(Surat) and Sardar Gurjari Daily(Anand).
આજે ૧૨ જૂને જયારે અમે આ કટાર લખી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રનાયક સરદાર પટેલના નામની માળા જપવાનું રાજકારણ ખેલાનારાઓમાંના મોટા ભાગના પણ વિસરી ગયા છે કે ૧૨ જૂન એ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહનો નિર્ણાયક દિવસ “બારડોલી દિવસ” છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનન્ય સાથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવાનું નિમિત્ત બન્યો હતો આ સત્યાગ્રહ. એ લડતે બ્રિટિશ શાસનને પણ ખેડૂતોની ન્યાયી માંગણીઓ સ્વીકારવાની ફરજ પાડી હતી. સત્તારોહણ માટે કોઈપણ સીડી કામ આવે એનો ઉપયોગ કરીને ભૂલી જવાનો આ જમાનો છે. જે લોકો અતીતના સહારે જ રાજકારણ ખેલતા રહ્યા છે એમને તો આ બરાબર લાગુ પડે છે.આજકાલ દેશ અને વિદેશમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. થયેલા ભારતીય લોકસભાના “ડિસક્વોલિફાઈડ” એમ.પી. રાહુલ ગાંધીની ખૂબ ચર્ચા છે. એમનાં નિવેદનો અને વ્યક્તિગત જીવન તેમ જ એમણે ના કરેલાં નિવેદનો પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચગાવવામાં આવે છે. સત્તારૂઢ ભાજપના નેતાઓને રાહુલવિરોધી નિવેદનો કરવા માટે સરપાવ મળતો હોય એવો માહોલ હોવાને કારણે એ મુદ્દે જાણે કે રીતસર સ્પર્ધા કે ચડસાચડસી ચાલી રહી છે. રાહુલને એમની યુનિવર્સિટી કેમ્બ્રિજમાં ભાષણ કરવા માટે બોલાવ્યા ત્યારથી લઈને હમણાં અમેરિકી યુનિવર્સિટી સ્ટેનફર્ડમાં વ્યાખ્યાન આપવા માટે તેડાવ્યા ત્યારે તેમણે કરેલાં અને નહીં કરેલાં નિવેદનોને વિકૃત કરીને જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાં ખૂબ ચલાવાતાં રહ્યાં. હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં ભાજપ કનેથી કોંગ્રેસે સત્તા છીનવી લીધી અને હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ ફરી સત્તામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની શી વલે થાય એનો સન્નિપાત એની નેતાગીરીમાં વર્તાય છે. રાહુલ બધાનું ટાર્ગેટ છે. રાહુલનો પિતરાઈ ફિરોઝવરુણ ગાંધી ભાજપનો સાંસદ છે છતાં એ પરિવારવાદમાં ના ગણાય,પણ રાહુલ ગાંધી પરિવારવાદનું પ્રમાણ લેખવામાં આવે એવાં ભાજપી ગણિત મંડાય છે. સદગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના આ બંને પૌત્રોમાં ફિરોઝવરુણ હિંદુ લેખાય અને રાહુલને મુસ્લિમ કે ખ્રિસ્તી ગણાવવામાં આવે ત્યારે બુદ્ધિનું દેવાળું કાઢવામાં આવતું હોય એવું વર્તાય છે. ઓછામાં પૂરું, દેશ-વિદેશમાં જૂઠાણાં ફેલાવનારી પેલી વોટ્સએપ યુનિવર્સિટી ભારતના મુસ્લિમો વિરુદ્ધ અને રાહુલને મુસ્લિમ ગણાવવા સહિતનો અપપ્રચાર કરે છે છતાં કમ સે કમ ભારતમાં સરકાર કે ચૂંટણી પંચ ભાગ્યેજ કોઈ પગલાં લે છે.
મોદીની ટીકા ના થાય !
ભાજપની નેતાગીરી અને ભાજપીસેનાને એવું પઢાવવામાં આવતું લાગે છે કે વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા એ ભારત વિરુદ્ધનું કૃત્ય ગણાય. મોદી તો અવતારી પુરુષ અને એમની સરકારની ટીકા તે વળી થતી હશે? હકીકતમાં દેશની સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન કે તેમની સરકારની ટીકાને દેશદ્રોહ માનતી નથી. ભક્તો તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પણ ટ્રોલ કરવામાં પાછા પડતા નથી. જયારે મોદી સરકારના કાયદામંત્રી પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિશે અણછાજતી ટિપ્પણો કરતા હોય ત્યારે એમના કાર્યકરોને તો વારે જ કોણ? સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના શીતયુદ્ધને શાંત પાડવા માટે મોદીએ કાયદામંત્રી બદલી નાંખવા પડ્યા. આમ છતાં, અવતારી પુરુષ લેખતા મહાનુભાવનો કરિશ્મા કર્ણાટકમાં ઓસરી ગયો અને રાહુલ ગાંધીની પદયાત્રા ફળી એ પછી તો ઘણાને સ્વપ્નમાં પણ રાહુલ જ ડોકાયા કરે છે. કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાનું ઓપરેશન લોટસ હવે ઉલટી દિશા પકડી રહ્યું છે. ભાજપના સંઘનિષ્ઠ નેતાઓ કોંગ્રેસમાં જોડાવા માંડ્યા છે. એટલે સન્નિપાત વધવો સ્વાભાવિક છે. અપવાદ ગુજરાત જ છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ તો મોદીને ભારત ગણાવવા માંડ્યા છે ત્યારે કોંગ્રેસના ઇન્દિરાયુગના અધ્યક્ષ દેવકાંત બરુઆનું સ્મરણ થવું સ્વાભાવિક છે. બરુઆએ “ઇન્દિરા ઈઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઈઝ ઇન્દિરા”નો રાગ આલાપવાનો ચાલુ કર્યો ત્યારે કોંગ્રેસ અને ઇન્દિરા બંનેનો પરાજય થયો હતો ! જે ઈમરજન્સી અંગે મોદી છાસવારે કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની ટીકા કરે છે એ જ માર્ગે એ પોતે આગળ વધી રહ્યાનું તો સદગત ભાજપી નેતા અને મોદીના પુરોગામી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કહેતા રહ્યા હતા. એમણે મોદીના શાસનમાં “અઘોષિત ઈમરજન્સી” જેવો શબ્દપ્રયોગ કર્યો હતો.
ઈમરજન્સીમાં સંઘ-જનસંઘ
વિદેશની ધરતી પર કોંગ્રેસી શાસનની ટીકા કરવાનું સૌભાગ્ય તો વર્તમાન વડાપ્રધાન મોદીને, કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને વિદેશી ધરતી પર ભાજપી શાસનની ટીકા કરવાનો અવસર મળ્યો, એ પહેલાં મળેલું છે. મોદી કદાચ એ વિસરી જતા હશે કે ઈમર્જન્સીમાં એમની ભૂમિકા જનસંઘના સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામીને એરપોર્ટ પર તેડવા જવા અને ભાવનગર કોઈકને મળવા લઇ જવાની સેવા બજાવવા જેવી હોવાનું ડૉ.સ્વામી પણ નોંધતા રહ્યા છે. ડૉ.સ્વામી એ વેળા ઈમરજન્સી વિરોધી ચળવળના વરિષ્ઠ પ્રચારક માધવરાવ મૂળેપ્રેરિત કામગીરીના હીરો હતા. દેશમાં અને વિદેશમાં ઇન્દિરા ગાંધીના એ ૧૯૭૫-૭૭ના ઈમરજન્સી કાળ સામેના જંગમાં એ અગ્રણી ભૂમિકા નિભાવનાર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે વર્ષ ૨૦૦૦માં ડૉ.સ્વામીએ ચેન્નઈના “ધ હિંદુ”અને “ફ્રન્ટલાઈન”માં થોડા વિવાદાસ્પદ લેખો પણ લખ્યા હતા, પરંતુ એ વેળા એ ભાજપમાં નહોતા. અત્યારે એ ભાજપમાં છે છતાં મોદી શાસનના ટીકાકાર રહ્યા છે. ઘણા કહે છે કે મોદીએ એમને મંત્રી ના બનાવ્યા એટલે એ નારાજ છે, પરંતુ ડૉ.સ્વામી તો અગાઉ બબ્બે વાર કેન્દ્રમાં મંત્રી કે મંત્રી સમકક્ષ હોદ્દે રહી ચૂક્યા છે. સંઘની ઈમર્જન્સીમાં ભૂમિકા અંગે સંઘનિષ્ઠ પ્રકાશનગૃહ સુરુચિ પ્રકાશને ૧૯૯૦માં ૭૦૦ પાનાંનો હિંદીમાં એક દળદારગ્રંથ “આપતકાલીન સંઘર્ષ-ગાથા” (સંપાદક: પ્ર.ગ.સહસ્રબુદ્ધે, માણિકચન્દ્ર વાજપેયી) પ્રકાશિત કર્યો હતો. આ ગ્રંથમાં ડૉ.સ્વામી તથા ગુજરાતના મકરંદ દેસાઈ સહિતના સંઘ-જનસંઘના કાર્યકરો-નેતાઓ અને સંઘના પ્રચારકોએ વિદેશની ધરતી પર ઇન્દિરા ગાંધીના તાનાશાહી શાસન સામે લડત ચલાવ્યાનું એક અલાયદું પ્રકરણ છે. એમાં ડૉ.સ્વામીનાં જન્મે પારસી પત્ની રોક્સાના (રક્ષણા) સ્વામી પણ વિદેશની ધરતી પરની આ લડતમાં સક્રિય હોવાની વાત વિગતે રજૂ થઈ છે. ડૉ.સ્વામી એ વેળા રાજ્યસભામાં જનસંઘના સભ્ય હતા અને નાટકીય રીતે એ પ્રગટીને અલોપ થઈ ગયાની રસપ્રદ કહાણી પણ એમાં છે. ગુજરાત સહિતના જે આગેવાનો ઈમરજન્સી સામે દેશમાં પણ લડત ચલાવતા રહ્યા અને ભૂગર્ભમાં પણ લડત ચલાવનારા હતા એની નામાવલિ અને નોંધો એમાં છે. ઈમરજન્સી વિરુદ્ધ મોટી ભૂમિકા ભજવ્યાના દાવા કરનારા કેટલાકનાં નામ એમાં ભાગ્યે જ જોવા મળે છે. સંઘ-જનસંઘ-ભાજપ માટે આ ગ્રંથ અધિકૃત ગણાય. એનો અર્થ એ થયો કે સંઘ-જનસંઘ-ભાજપના નેતાઓ વિદેશની ધરતી પર ભારત સરકારની ટીકા કરે તો એ રાષ્ટ્રપ્રેમ અને કોંગ્રેસના નેતાઓ એવું કરે તો એ ભારતદ્રોહ. વાહ રે, કેવાં બેવડાં ધોરણ!
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૨ જૂન,૨૦૨૩)
Campaign against Indian PM on Foreign Land by Rahul Gandhi and Jansangh-BJP Leaders
Reviewed by Dr.Hari Desai
on
June 14, 2023
Rating:
No comments: